ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના બેનર હેઠળ જગતનાં ૧૯૬ દેશો હમણાં પેરિસમાં ભેગાં મળ્યાં. ગ્લોબલ વોર્મિંગના મુદ્દે તેમની વચ્ચે વૈચારિક આદાનપ્રદાનો ઘણાં થયાં, પરંતુ અંતે તો દરેકનો સાર રેતી પીલીને તેલ કાઢ્યા જેવો હતો. ક્લાઇમેટ ચેન્જને લગતી તમામ કોન્ફરન્સમાં આમ જ ‘ખાધું-પીધું ને રાજ કીધું’ જેવું બનતું હોય છે. એક નક્કર વાસ્તવિકતા તેમાં કદી ચર્ચાતી નથીઃ જગતનું પર્યાવરણ બચાવવામાં હવે આપણે મોડા પડી ચૂક્યા છીએ. વળી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પ્રતિદિન વકરતી જાય છે. આમાં બહુ મોટો નકારાત્મક ફાળો આપણી આધુનિક જીવનશૈલીનો છે. ઉદાહરણો ઘણાં છે, પણ બધાંનો સાર જેમાં આવી જાય તેવું એક ઉદાહરણ બટાટાની વેફરના રૂા.૫ વાળા પેકેટનું લઇએ. આ પેકેટમાં માંડ એક બટાટાની કાતરી હોય છે, પણ તે પેકેટ બનાવવાની પ્રોસેસ લાંબી છે અને દરેક સ્ટેજે તેમાં પુષ્કળ energy/ ઊર્જા વપરાય છે. જેમ કે--
આનું વેચાણમૂલ્ય જે હોય તે ખરું, પરંતુ પર્યાવરણની દ્રષ્ટિઅે પડતરમૂલ્ય કેટલું ?
(1) પેકેટ લેમિનેટેડ એલ્યુમિનિયમનું બનેલું હોય છે. એલ્યુમિનિયમ મેળવવા માટે ડીઝલ બાળતા યાંત્રિક સાધનો વડે ખાણકામ કરવું પડે છે. પથરા અને માટી સહિતનો ટનબંધ ore/ અયસ્ક (કાચી ધાતુ) કાઢવો પડે છે.
(2) આ જથ્થો ડીઝલ બાળીને પ્રદૂષણ ફેલાવતા ખટારા મારફત ઘણા કિલોમીટર છેટે ફેક્ટરીઓમાંsmelting/ ધાતુગાળણ માટે મોકલાય છે.
(3) કુદરતમાં એલ્યુમિનિયમ મુક્ત સ્વરૂપે હોતું નથી. બોક્સાઇટ તેમાં ભળેલું હોય છે. રિફાઇનિંગ ફેક્ટરી પુષ્કળ વિદ્યુતઊર્જા વાપરીને અયસ્કનું પ્રોસેસિંગ કરે ત્યારે ૪ થી ૬ મેટ્રિક ટને માંડ ૧ મેટ્રિક ટન એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. ધાતુગાળણની પ્રોસેસમાં બાયપ્રોડક્ટ તરીકે ફ્લુરોકાર્બન અને હાઇડ્રોજન ફ્લુરાઇડ જેવા ગ્રીનહાઉસ ગેસ ઉદ્ભવે, જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં વધારો કરનારા છે.
(4) તૈયાર એલ્યુમિનિયમને વળી ડીઝલ બાળતા ખટારા મારફત એલ્યુમિનિયમ ફોઇલ બનાવતા ઔદ્યોગિક એકમે લઇ જવાય છે. અહીં વિદ્યુતઊર્જા વડે મશીનો ફોઇલ બનાવે છે.
(5) ફોઇલના ફ્લેક્સ પ્રિન્ટિંગ માટે જે પેઇન્ટ વપરાય તે પેટ્રોલિયમ વડે બનતો હોય છે. આ એ જ પેટ્રોલિયમ કે જે રોજના ૨૫,૦૦૦ ડોલરથી ૨૮,૦૦૦ ડોલરના ભાડે રોકેલા તેલવાહક જહાજ મારફત અખાતી દેશથી ભારતના (કંડલા જેવા) એકાદ બંદરે આવ્યું હોય. FYI : ભારતનું વાર્ષિક પેટ્રોલિયમ આયાતબિલ ૩૮ અબજ ડોલર છે.
(6) સલ્ફર ધરાવતા ખનિજ તેલનું જામનગરની (કે બીજી કોઇ) રિફાઇનરીમાં વિભાગીય નિસ્યંદન/fractional distillation કરી તેનાં ડિઝલ, નેપ્થા, કેરોસિન, પેટ્રોલ, ડામર વગેરે ઘટકો છૂટાં પડાય છે. આ કાર્યમાં પાછી થોકબંધ ઊર્જા વપરાય છે. નિસ્યંદન થકી પ્રાપ્ત થતું ઓઇલ ફ્લેક્સ પ્રિન્ટિંગના પેઇન્ટ માટે વપરાય છે.
(7) પેઇન્ટમાં લીલા, કેસરી, ભૂરા, લાલ વગેરે જાતનાં રંગદ્રવ્યો હોય, જેમનુંય પ્રોડક્શન બીજા કો’ક ઔદ્યોગિક એકમમાં વિદ્યુતઊર્જાના તેમજ રાસાયણિક પ્રદૂષણના ભોગે થયું હોય છે. આ રંગદ્રવ્યો + ઓઇલ વડે પેઇન્ટ બનાવતી ફેક્ટરીએ પણ ખાસ્સી વીજળી વાપરી હોય--અને તે ઘણું કરીને કોલસો બાળતા થર્મલ પાવર સ્ટેશનમાંથી આવી હોય છે. કોલસો પાછો બિહાર યા ઝારખંડ જેવા પૂર્વ ભારતના રાજ્યોની ખાણમાંથી (ડીઝલ બાળતા એન્જિનવાળી) ગૂડ્ઝ ટ્રેન દ્વારા થર્મલ પાવરમથકે પહોંચાડાયો હોય છે.
(8) એલ્યુમિનિયમ ફોઇલ પર ફ્લેક્સ પ્રિન્ટિંગ માટે પાછી વિદ્યુતઊર્જા વપરાય અને પછી પ્રિન્ટેડ ફોઇલને નાના પેકેટનું સ્વરૂપ આપવા હજી વધારે ઊર્જાનો ભોગ લેવાય.
(9) નમકીન બનાવતી ફેક્ટરી બટાટાના પતીકા પાડી વેફર તૈયાર કરી તેમને એલ્યુમિનિયમ ફોઇલના પેકેટમાં ભરે છે. વેફર બગડ્યા વિના લાંબો સમય જળવાય એ માટે તેમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. આ વાયુનાં ટેન્કર અને કોઠીઓ તૈયાર કરતું યુનિટ પાછું ક્યાંક બીજે હોય છે. ટ્રાન્સપોર્ટ દ્વારા તે વાયુને નમકીન ફેક્ટરી સુધી પહોંચાડવામાં વપરાતા ડીઝલનો હિસાબ જુદો !
(10) પોટેટો વેફરનાં તૈયાર પેકેટ ડીઝલ બાળતી સેંકડો ટ્રકો દ્વારા ગામેગામ મોકલાય છે, જ્યાંથી હોલસેલરનાં ટેમ્પો જેવાં વાહનો (વળી પાછું ડીઝલ બાળીને) તે માલ દુકાનદારોને પહોંચતો કરે છે.
આ લાંબો હિસાબ જેના ખાતે લખ્યો એ બટાટાની વેફરના રૂા.૫ વાળા પેકેટમાં માંડ ૧ બટાટા જેટલી (૧૦ થી ૧૨) કાતરીઓ હોય છે. આ નમકીન ખાનારાને તેમાંથી કેલરી આખરે કેટલી મળે ? જવાબ : ૫,૪૦,૦૦૦ કેલરી. બીજી તરફ ૧ લીટર ડીઝલમાં કેટલી ? જવાબ : લગભગ ૯૨,૫૦,૦૦૦ કેલરી. દસથી બાર કાતરીનું ‘મન્ચિંગ’ કરવામાં આપણે વાસ્તવમાં કેટલી કેલરી ઊર્જાનો (ડીઝલનો) અજાણતાં બગાડ કરવામાં નિમિત્ત બનીએ છીએ ! વિચારવા જેવી વાત છે. આધુનિક જીવનશૈલીનો ભાગરૂપ બની ગયેલી આવી તો કેટલીયે ચીજો ગ્લોબલ વોર્મિંગ માટે કારણભૂત બની રહી છે. માનવજાત આવી ચીજોના વપરાશનો મોહ તજવા તૈયાર ન હોય તો પછી નવી પેઢી માટે ભવિષ્ય ભારે ચિંતાજનક છે.
Safari Science Magazine --Harshal Pushkarna