એક નજર આ તરફ...
Friday, September 4, 2015
તારીખ ૧૬મી ઓગસ્ટ હતી અને વર્ષ ૧૯૪૫નું હતું. દિવસ જે હોય તે ખરો, પણ જાપાનના ભવિષ્ય માટે તે ટર્નિંગ પોઇન્ટ સાબિત થવાનો હતો. બપોરના સમયે કેટલાક જાપાની વિચારકો ટોકિયોના એક જર્જરિત મકાનમાં ભેગા મળ્યા. મીટિંગનો અજેન્ડા સ્પષ્ટ હતો : આર્થિક રીતે ભાંગી પડેલા જાપાનના અર્થતંત્રને ફરી બેઠું કેમ કરવું ? સપ્ટેમ્બર, ૧૯૩૯થી શરૂ કરીને ઓગસ્ટ, ૧૯૪પ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મિત્રરાષ્ટ્રોના ભીષણ અને ભસ્માસુર બોમ્બમારાએ જાપાનને મોટા ભંગારવાડામાં પલટી નાખ્યું હતું. યુદ્ધમાં લગભગ ૩૦ લાખ જાપાનીઓ માર્યા ગયા હતા અને દેશની ચોથા ભાગની રાષ્ટ્રીય સંપદા નષ્ટ પામી હતી. અડધોઅડધ ઔદ્યોગિક એકમોનું હવે અસ્તિત્વ રહ્યું ન હતું. બોમ્બવર્ષાએ તેમને કાટમાળમાં ફેરવી નાખ્યા હતા, જ્યારે હિરોશીમા અને નાગાસાકી સમેત કુલ ૬૭ જાપાની શહેરોનો તો વધુઓછે અંશે સફાયો કરી દીધો હતો. બોમ્બમારામાં ટોકિયો, નાગોયા, ઓસાકા વગેરે જેવાં મોટાં શહેરોમાં બરબાદીનો આંક અનુક્રમે ૬૫%, ૮૯% અને ૫૭% હતો, જ્યારે ટોયામા નામનું એક નગર તો ૯૯% જેટલું નષ્ટ પામ્યું હતું. લાખો જણા પોતાનું ઘર, વેપાર યા નોકરી ગુમાવી ચૂક્યા હતા. કંગાલિયત, ભૂખમરો, માનસિક અજંપો તેમજ શારીરિક પીડા જેવી મુસીબતો તેમના માથે આવી પડી હતી. 
આજથી ૭૦ વર્ષ પહેલાં કરાયેલા અણુ- હુમલાએ જાપાનની લશ્કરી તાકાત હણી લીધી, પણ પ્રજાનું ખમીર હણાયું નહિ
આ અંધાધૂંધીભરી સ્થિતિમાં ઓગસ્ટ ૧૬ની બપોરે કેટલાક જાપાની વિચારકો ટોકિયોના ખંડિયેરછાપ મકાનમાં ભેગા થયા હતા. હજી આગલા જ દિવસે એટલે કે ઓગસ્ટ ૧૫, ૧૯૪૫ના રોજ પરાજિત જાપાને અમેરિકાને શરણાગતિનો પત્ર લખી આપ્યો હતો. યુદ્ધમાં હાર કબૂલી લીધાને હજી ચોવીસ કલાક પણ વીત્યા નહોતા ત્યાં પેલા વિચારકો ટોકિયોમાં જાપાનનું ભાવિ ઘડી રહ્યા હતા. લશ્કરી જંગમાં હારેલા જાપાનને વધુ એક યુદ્ધ માટે તૈયાર કરવાનો નિર્ણય તેમણે મીટિંગમાં લીધો. યુદ્ધ લશ્કરીને બદલે આર્થિક મોરચે ખેલાવાનું હતું. યુદ્ધની રૂપરેખા ટૂંકમાં આટલીઃ જાપાનના લકવાગ્રસ્ત અર્થતંત્રને દોડતું કરવા માટે ઔદ્યોગિક એકમો ઊભાં કરો, એ માટે જરૂરી નાણાં તેમને સરકારી બેન્કમાંથી સરળતાપૂર્વક તેમજ ઓછા વ્યાજદરે મળે તેવી જોગવાઇ કરો, આયાત પર અંકૂશ મૂકી ઘરઆંગણે ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારી દો અને પછી ઘરેલુ માલની નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ મેળવો... આવાં બીજાં ઘણાંબધાં વિકાસલક્ષી પગલાં વિશે વિચારકોએ ગંભીર ચર્ચા કરી અને છેવટે જાપાનને ઔદ્યોગિક સુપરપાવર બનાવવાના મેગાપ્રોજેક્ટની બ્લૂપ્રિન્ટ ઘડી કાઢી. વિશ્વયુદ્ધ પછી જાપાનમાં રચાયેલી નવી સરકારે તે બ્લૂપ્રિન્ટને તત્કાળ અમલમાં મૂકી દીધી. યુદ્ધમાં ફટકા વેઠી ચૂકેલા ઔદ્યોગિક એકમોને સૌ પહેલાં તો સરકારી બેન્કમાંથી લોન અપાવી કાર્યરત બનાવવામાં આવ્યાં. યુદ્ધકાળમાં શસ્ત્રઉત્પાદન કરનારાં કારખાનાંને ઘરેલુ ચીજવસ્તુઓના પ્રોડક્શનનું કામ સોંપવામાં આવ્યું. દા.ત. મશીન ગન બનાવતું એક કારખાનું સિલાઇ મશીનના ઉત્પાદન તરફ વળ્યું. વિમાનો બનાવતી ઓસાકા ખાતેની ફેક્ટરી ખીલા-ખીલી અને સ્ક્રૂ બનાવવા લાગી. રેડારયંત્રના પૂરજા જ્યાં તૈયાર કરાતા એ ફેક્ટરીમાં લાઇટના બલ્બ બનવા માંડ્યા, તો નૌકાદળ માટે કાચના લેન્સનું ઉત્પાદન કરનારા (નિકોન નામના) ઔદ્યોગિક એકમે કેમેરાનું તેમજ બાયનોક્યુલરનું ઉત્પાદન હાથ ધર્યું.
આ તમામ એકમોને જાપાની સરકારે આપેલો આદેશ સ્પષ્ટ હતો : Growth now and profit later. આ ફરમાનના પગલે એકમોએ વિકાસની પોલિસિ અપનાવી જથ્થાબંધ ઉત્પાદન વડે પહેલાં ઘરેલુ બજાર સર કર્યું અને પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ઝંપલાવ્યું. આજે ટોયોટા, સુઝુકી, હોન્ડા, સોની, નિકોન, કેનન, મિત્સુબીશી, કેસિઓ, ફુજી, હિટાચી, નિપ્પોન, નિસાન, પેનાસોનિક, તોશિબા, યામાહા વગેરે જેવી ધૂરંધર કંપનીઓએ વૈશ્વિક બજારમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી દીધું છે. વિકાસ/ growth માટે વર્ષોના પરિશ્રમ પછી આજે તેઓ મબલખ નફો/ profit રળે છે.
નથી લાગતું કે Make In Indiaનું સૂત્ર સાર્થક કરવા માગતા ભારતે સૌ પહેલાં જાપાનનું Growth now and profit later સૂત્ર અમલમાં મૂકવું જોઇએ ? ઓગસ્ટ ૧પ, ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી મળી તેની નજીકના અરસામાં જાપાનમાં પણ રાજકીય પલટો આવ્યો. આમ છતાં ૭૦ વર્ષમાં એ દેશે સાધેલી આર્થિક તેમજ ટેક્નોલોજિકલ પ્રગતિ ભારતની તુલનાએ અકલ્પ્ય છે. આજે જાપાનમાં ઉત્પાદન પામતી ૭૦% ચીજવસ્તુઓ દુનિયાભરમાં નિકાસ પામે છે, જ્યારે આપણે હજી આયાતી માલ પર મદાર રાખીને બેઠા છીએ. જાપાની ચીજવસ્તુઓ તેમજ જાપાની ટેક્નોલોજિ આપણે અપનાવી, પરંતુ અપનાવવા જેવું કંઇ હોય તો તે જાપાની પ્રજાની ખુમારી, ખમીર અને ખંત છે. Make In Indiaનું સૂત્ર ત્યારે જ સાકાર થશે.
Posted by Harshal Pushkarna at harshalpushkarna.blogspot.in